ફાગણિયો કેસારિયો છાયો…


holi-radha-krishna

ફાગણિયો કેસારિયો છાયો, ઉમંગની છોળોમાં સાંવરિયો નાહ્યો.
શેરી શરમાઈ ભાઈ, સૈયર ભીજાઈ ભાઈ, ફોરમનો દરિયો રેલાયો.

મદમાતો રંગ ઝરે વાયરિયે વહેતો,
કેસૂડો કેડિયાને વરણાગી કહેતો.
ચૂંદ્લડી ચમકે, ગાગરડી છલકે,
તાજપનું પૂર થઈ આયો.

ચેતન એવું કે લાગે વીજળીયું પહેરી,
સૈયર સંગ યુવાન થઈ શેરી,
સપના સજાતા, ગીતો ગવાતાં
ઘેને ઘેઘુર એ પીવાયો.

અંગ અંગ ઓચિંતી કોકીલા બોલતી,
જોબનના દરવાજા દસ્તક દઈ ખોલતી.
આંબિયું રે થનકે, ઝાંઝરીયું ઝમકે,
નખરાળો ફૂલણ ફટાયો.

Advertisements

ઝાડ તને મારા સોગંદ – હિતેન આનંદપરા


 

tree_illusion

ઝાડ તને મારા સોગંદ
સાચું કહેજે એક પંખીની જેમ કદી ઊડવાનું થાય તને મન ?

વરસોથી એક જ જગાએ ઊભા રહીને કંટાળો આવતો નથી ?
તારો એક્કેય ભાઈબંધ એની પાસે તને પ્રેમથી બોલાવતો નથી ?
સાવ-માણસ-જેવો આ સંબંધ !

આકરા ઉનાળે ખૂબ શોષ પડે ત્યારે સૂરજ પર ગુસ્સો આવે ?
વહેતી હવાને ખભે માથું મૂકીને હૈયું ઠાલવવાનું ફાવે ?
તારાં આંસુનું કેટલું વજન ?

ઝાડ, તને છંયે બેઠેલો એક માણસ ગમે કે છાંયે બેઠેલી એક ગાય ?
સાંજ પડ્યે પંખી જો પાછું ન આવે તો પાંદડાંમાં ડૂમો ભરાય ?
છોડ્યું ના છૂટે વળગણ

સાચું કહેજે એક પંખીની જેમ કદી ઊડવાનું થાય તને મન ?
ઝાડ તને મારા સોગંદ !

પાનખરના હૈયામાં ટહૂકે વસંત… – નરેન્દ્ર મોદી


Pankharna haiyama

જેવું કે આપ સૌ જાણો જ છો કે આપણાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એક રાજકિય વ્યક્તિ હોવા ઉપરાંત એક ખુબ સારા સાહિત્યકાર પણ છે. તેઓ એક ખુબ ઉમદા લેખક તેમ જ કવિ પણ છે.

તેમની સઘળી રચનાઓ ઘણી જ પ્રેરણાદાયી હોય છે…તો આવો તેઓની એક તાજેતરમાં જ પ્રચલિત થયેલ કવિતા “પાનખરના હૈયામાં ટહૂકે વસંત” પાર્થિવ ગોહિલના સ્વરમાં ગીતરૂપે સાંભળવાનો લ્હાવો લઈએ….

વૃક્ષ-વૃક્ષની ડાળ-ડાળ ને પાન-પાન ને ફૂલ-ફૂલમાં નર્તન…


વૃક્ષ-વૃક્ષની ડાળ-ડાળ ને પાન-પાન ને ફૂલ-ફૂલમાં નર્તન…
મારી ધરતી કેવી મલકે… મારી ધરતી કેવી મલકે…
વૃક્ષ-વૃક્ષની ડાળ-ડાળ ને પાન-પાન ને ફૂલ-ફૂલમાં નર્તન.

આખા તે આકાશ વિષે આ સ્વરનાં સોનલ સાવ સુકોમળ સ્પંદન,
મારો સાગર કેવો છલકે… મારો સાગર કેવો છલકે…
વૃક્ષ-વૃક્ષની ડાળ-ડાળ ને પાન-પાન ને ફૂલ-ફૂલમાં નર્તન.

હું મારા એક અંકુરેથી વૃક્ષ થઈને વેરું લીલાં ટહુકા,
હું મારું એક જલબિંદું થઈ, સાગર થઈને તરતી રાખું નૌકા,
હું મારું એક આભ થઈને ઉજળો ઉજળો તડકો ઓઢી મ્હાલું,
હળવે હળવે ચંદ્ર-કિરણનું પીંચ્છ ફેરવું પાંપણ ઉપર સુંવાળું,

હું મારું એક ગીત ગાઉ છું તારે માટે મારા લાખ ઉમળકે,
મારી ધરતી કેવી મલકે… મારો સાગર કેવો છલકે…
વૃક્ષ-વૃક્ષની ડાળ-ડાળ ને પાન-પાન ને ફૂલ-ફૂલમાં નર્તન.

વસંતને ક્હેજો કે….


વસંતને ક્હેજો કે એકલી ના’વે:

પલ્લવના પાલવમાં મઘમઘતી એકબે
મંજરીઓ લીમડાની લાવે
કે એકલા હૈયાને ઓછું ના આવે !
વસંતને ક્હેજો કે એકલી ના’વે:

ગુંબજ ગજાવતા ઘેરી ઘટાના
ટ્હૌકા બેએક લઈ આવે
કે કોઈના અજ્જડ અબોલા મુકાવે !
વસંતને ક્હેજો કે એકલી ના’વે:

બળતા પલાશના દાઝેલા અંગના
અંગારા એક-બે લાવે
કે કોઈનું કજળેલું કાળજું ધબાવે !
વસંતને ક્હેજો કે એકલી ના’વે:

ચંદનના વગડેથી વરણાગી વાયુની
લહરી એકાદ લઈ આવે !
કે સ્થિર કોઈ પાંપણનું પાન ફરકાવે !