હું અને તું …


Wedding

હું અને તું નામના કાંઠાને તોડી જળ વહ્યાં સંગાથમાં, તે આપણે;
શ્વાસશ્વાસે એકબીજામાં થઈ સૌરભ રહ્યાં સંગાથમાં, તે આપણે.

આપણા હર શ્વાસમાં છે વ્હાલ ને વિશ્વાસ વ્હાલમ;
ને જીવનનું નામ દીધું હેતનો મધુમાસ વ્હાલમ.
આંખને ઉંબર અતિથી, અશ્રુને સપનાં સખીરી;
રસસભર જીવનને ખાતર બેઉ છે ખપના સખીરી.
આંખથી ક્યારેક ઝરમર ને કદી ઝલમલ સહ્યાં સંગાથમાં, તે આપણે … હું અને તું

રંગ ને પીછી તણો સંવાદમાં પણ બેઉ સજની;
સુર ગુંથ્યા શબ્દનો અનુવાદમાં પણ બેઉ સજની.
છે મને ન યાદ કોઈ પ્રેમમાં ફરીયાદ, સજના;
જિંદગી લાગે મને પ્રિતી તણો પ્રસાદ, સજના.
જિંદગીના બેઉ રંગો ને ઉમંગોને ચહ્યા સંગાથમાં, તે આપણે … હું અને તું

Advertisements

Happy Valentine’s Day!! એમ પૂછીને થાય નહીં પ્રેમ ….!!


તને યાદ છે એકવાર મેં કહેલું રસ્તે જતાં… કે મને દરિયો બહુ ગમે છે!!

દરિયો હંમેશા મારા આકર્ષણનો ભાગ બની રહ્યો છે…. એ હંમેશા જ નવો દેખાય છે ક્યારેક ધીર-ગંભીર, શાંત અને શાણો…. તો ક્યારેક ઉધ્ધત તોછડો અને જીદ્દી. ક્યારેક સંમ્રુધ્ધ અને સભર તો ક્યારેક શાપિત અને ત્રુષિત…
તો પછી….ક્યારેક વળી જનમ જનમનો તરસ્યો પ્રેમી….
એનું દરેક સ્વરૂપ એને સંપૂર્ણ બનાવે છે!!

દરિયાકિનારે ટહેલતાં જ્યારે જ્યારે એને નિહાળ્યો છે એ હંમેશા મને લાગ્યો છે સતત… અવિરત….
દરિયાના મોજા જ્યારે મારાં પગ પખાળી રહે છે ત્યારે પરમ સંત્રુપ્તિનો અહેસાસ થાય છે અને બીજી જ ક્ષણે….
અને બીજી જ ક્ષણે પગ નીચેથી સરી જતી રેતી એવું ભાન કરાવે છે કે તારા જવાની સાથે જ એ સઘળી ક્ષણોની નક્કરતા વહી ગઈ…
રહી ગઈ છે માત્ર….
ભીનાશ…. ખારાશ…. કોરાશ….

4187760-woman-standing-barefoot-on-beach-sand-washed-by-sea-water-2

દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?
ચાહે તે નામ તેને દઇ દો તમે રે ભાઇ અંતે તો હેમનું હેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ એનું સરનામું, સામી અગાશી.
મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમજેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

એક છોકરી ન હોય ત્યારે……


broken-mirror008


એક છોકરી ન હોય ત્યારે કેટલાં અરીસાઓ
સામટા ગરીબ બની જાય છે

બીજું શું થાય કંઈ પથ્થર થઈ જાય
કંઈ ચોખંડી ચીજ બની જાય છે

શેરીના છેવાડે ઊભેલા છોકરાને
શું શું નહિ થાતું હોય બોલો
હાથમાંને હાથમાં જ મોગરાનું
ચીમળાતું ફૂલ બની જાય ફરફોલો

અંધારું સાંજ પહેલા આંખોમાં ઘેરી વળે
એવો બનાવ બની જાય છે

સૌ સૌનો સૂરજ સૌ સાચવે પણ
છોકરીના હિસ્સાના સૂરજનું શું
આમ તો સવાલ આખા ગામનો છે
પણ કેવળ છોકરાને આવે આંસુ

ગામ વચ્ચે ઓગળતો ઓગળતો છોકરો
કંઈ પણ નથી જ બની જાય છે

એક છોકરાએ……..


Chocolate

એક છોકરાએ સીટીનો હિંચકો બનાવીને,
છોક્કરીને કીધું, લે ઝૂલ….

પછી છોક્કરાએ સપનાનું ખીસ્સુ ફંફોસીને
સોનેરી ચોકલેટ કાઢી રે,
ને છોક્કરીની આંખમાંથી સસલીના ટોળાએ
ફેંકી ચીઠ્ઠીઓ અષાઢી રે,
સીધ્ધી લીટીનો સાવ છોક્કરો,
તે પલળ્યો ને બની ગયો બે-ત્રણ વર્તુળ….

છોક્કરીને શું એ તો ઝૂલી,
તે એને ઘેર જતા થયું સહેજ મોડું રે,
જે કંઈ થવાનું હતું એ છોક્કરાને થયું,
એના સાનભાન ચરી ગયું ઘોડું રે,
બાપાની પેઢીએ બેસીને રોજ-રોજ ચોપડામાં ચીતરતો ફૂલ….

તારી હથેળીને….-તુષાર શુક્લ


તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન;
એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી…

ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવા ને વેળુમાં તરસે છે વ્હાણ;
કૂવાથંભેથી હવે સોણલાં રડે ને કોરી આંખોને અવસરની જાણ.
તારી હથેળીને રેતી માનીને કોઇ ઊંટોના શોધે મુકામ;
એને કોરીકટ માછલીની જાળો મળે, એનો અલ્લાબેલી…

કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી?
વરતારા મૌસમના ભૂલી જઇને એક ઝંખનાને રાખવાની વ્હેતી.
તારી હથેળીને કાંઠો માનીને કોઇ લાંગરે ને ઊઠે તોફાન;
એના ઓસરતી વેળુમાં પગલાં મળે, એનો અલ્લાબેલી…