પિયા, મદનબાણ વરસે !


પિયા, મદનબાણ વરસે !
સ્વપ્ન વસંતીફૂલ થશે
કે પર્ણ થઇ ખરશે ?
મદનબાણ વરસે

અંગ અનંગ ઉમંગ જગાવે
રંગ અજબ વરસે
મદનબાણ વરસે

નયનનગરમાં દરસ ઝંખના
અધર મધુર તરસે
મદનબાણ વરસે

ફાગરાગ અનુરાગ બસંતી
ચંગ મૃદંગ બજે
મદનબાણ વરસે

– તુષાર શુક્લ

Advertisements

રસ્તામાં જોઇ મને, હસ્યો પેલો કાંકરો…- બાળગીત


રસ્તામા જોઈ મને, હસ્યો પેલો કાંકરો,

આવ્યો મને ગુસ્સો, મારી લાત ને ઉછાળ્યો
વળી, હસવા લાગ્યો, મેં કીધું કેમ લા હસ્યો,

એ બોલ્યો, એમ લા…, મેં પાછું કીધું, કહે ને લા,
એ કહે નહિ કહું, જા જા, મેં સમજાવ્યું, કહે ને

એ કહે, ભલે તારે, તું ટેણિયું ને હું કાંકરો
કાલે તું જુવાનિયોને, હું થવાનો મોટો પથરો,

આજે માર મને લાત, કાલે મારીશ ઠોકર તને….
રસ્તામાં જોઇ મને, હસ્યો પેલો કાંકરો…
– દેવલ શાસ્ત્રી

… એ ગૂગલ નહિ કહે!! 


કોણ તને બહુ ચાહે છે, એ ગૂગલ નહિ કહે,
કોણ તને નિભાવે છે, એ ગૂગલ નહિ કહે.

કેટલા લોકો શ્વાસો લે છે ગૂગલ કહેશે,
કોણ ખરેખર જીવે છે એ ગૂગલ નહિ કહે.

ક્યારે સૂવું, ક્યારે ઊઠવું? પૂછી શકીએ,
ક્યારે સપનું આવે છે એ ગૂગલ નહિ કહે.

ઉપર ઉપરના સઘળા વ્યવહારો કહેશે,
પણ મનમાં શું ચાલે છે એ ગૂગલ નહિ કહે.

‘સાથે છું’ કહીને પણ જેઓ સાથે ના હો,
તેઓ કોની સાથે છે? એ ગૂગલ નહિ કહે.

– કિરણસિંહ ચૌહાણ

અમને શિયાળો બહુ નડ્યો!હિમશીલાઓના મારા વચ્ચે, ઠંડીના ચમકારા વચ્ચે

ઉભાં થરથર રડતાં-ડરતાં, પવન ગતીલો અડ્યો…

અમને શિયાળો બહુ નડ્યો…
પહેલાંની ઠંડીની સામે આ ઠંડી તો ઝાંખી

હિમ પડે કે કરા પડે પણ હિંમત રહેતી આખી

ઓણ તો એવો ભડવીરનો એ કામળો ટૂંકો પડ્યો…

અમને શિયાળો બહુ નડ્યો…
ગઈ સાલ સુધી તો હૈયામાં ઉષ્માનો ભંડાર હતો

સરમાં વિચારોની ગરમીને હાથની હુંફ પર મદાર હતો
આજ હવે સૌ પ્યાર,હુંફ, થઈને ઠીકરું સમેટાઈ ગયાં

સરગર્મ વિચારો સંસારી ચાદર ઓઢીને સુઈ ગયા;
તાપણાઓની જ્વાળા કંઈ હૈયાને ગરમાવી શકશે?

હીટર ચાલુ કરવાથી કંઈ વિચારો જાગી શકાશે?
ગમે તેટલું સહેવાથી યે , ગમે તેટલું મથવાથી યે

એ ગરમી એ નરમી એ બેશરમી પાછી આવી શકશે?
રજાઈ હેઠળ સંકોચાઈને સૂતાં-સૂતાં સપનાં આવ્યાં પાછલા દિનનાં

અને ઊઠીને જોયું ત્યારે ખોવાયેલી જાતનો આવો

અગન-ખજાનો જડ્યો…

અમને શિયાળો બહુ નડ્યો!

વરસાદ પડે છે – મુકેશ જોષી


rain3

“યાદ આવતાં ભીની ભીની અમે લખ્યો’તો કાગળ કે વરસાદ પડે છે,
સામેથી ઉત્તર આવ્યો કે મેં જ મોકલ્યાં વાદળ કે વરસાદ પડે છે….”


પથ્થર જેવા દિવસોને પણ માનભેર બોલાવો કે વરસાદ પડે છે,
‘કૂણી કૂણી સાંજો’ ! મારી આંખે રહેવા આવો કે વરસાદ પડે છે.

વાદળને આકંઠ ભેટવા દોડ્યાં સૂરજ કિરણો કે વરસાદ પડે છે,
મેઘધનુથી ભાગી છૂટ્યાં રંગ ભરેલાં હરણો કે વરસાદ પડે છે.

મૂળ વાત ડાળીને કહેવા મૂળમાંથી સમજાવે કે વરસાદ પડે છે,
નભનું પાણી દરિયાઓનાં પાણીને નવડાવે કે વરસાદ પડે છે.

છત્રીમાં પેસીને વાંચે બંને જળની ભાષા કે વરસાદ પડે છે,
મમ્મી-પપ્પા માની જાશે એવી રાખે આશા કે વરસાદ પડે છે.

ગરમગરમ મરચાંનાં ભજિયાં લારી પર બોલાવે કે વરસાદ પડે છે,
ચટણી હો કે સોસ નહીં તો પાણી સાથે ભાવે કે વરસાદ પડે છે.

યાદ આવતાં ભીની ભીની અમે લખ્યો’તો કાગળ કે વરસાદ પડે છે,
સામેથી ઉત્તર આવ્યો કે મેં જ મોકલ્યાં વાદળ કે વરસાદ પડે છે.