જીવી ગયો હોત
કોઇ નથી-ના આ બંધ ઓરડામાં
આંટા મારતી
મારી એકલતાના કાનમાં
તમે ‘હું છું ને’- એટલું જ બોલ્યાં હોત
તો હું જીવી ગયો હોત,
મરણના મારગે આ ચરણ ઊપડયાં ત્યારે
તમે માત્ર ‘ઊભા રહો’એટલું જ કહ્યું હોત
તો હું જીવી ગયો હોત,
મુખ પર ઢંકાયેલી
મૃત્યુની ચાદરને સહેજ આઘી કરીને
તમે માત્ર ‘કેમ છો ?’એટલું જ પૂછ્યું હોત
તો હું જીવી ગયો હોત,
આમ તો કદાચ
મરવા કરતાં જીવવાનું જ સહેલું હતું
પણ…તે મારા હાથમાં નહોતું !
શ્રેણીઃ અછાંદસ
દરિયો ખારો છે કબૂલ…!!
કબૂલ…!!!
દરિયો ખારો છે કબૂલ
પણ એમાં માછલીની ભૂલ
આંસુઓ આવી જાય છેક એવી રીતે…
ભીતરને કહેવાય કૈં લે, ખૂલ…!!?
માછલીઓ કે, એમાં મારો ક્યાં વાંક કાઢો
ભીતરને મારવા ક્યાં બેસીએ તાળું
આંસુ તો સાચવીને અમે ય રાખ્યાં’તાં
એ તો વેદનાએ ફૂંકર્યું દેવાળું
પણ એમ કરી ભીતર ખાલી જો થાતું, તો આંસુનું આવવું વસૂલ…
દરિયો ખારો છે, કબૂલ…!
કોઈ માણસનાં હોય કે માછલીનાં હોય
દોસ્ત, આંસુ તો આંસુ કહેવાય
રડવું આવે ત્યારે રડી લેવાનું
એને પાણીની જેમ ના પિવાય…!
હૃદયના રસ્તેથી એ આંખોમાં આવે, એનું ઠેકાણું નથી કૈં દૂર…
દરિયો ખારો છે કબૂલ…
દરિયાનું પાણી ને આંખોનું પાણી
બેઉની ખારાશ તમે માપી જોજો
મારું માનો તો એકને હોઠે
ને એકને હૈયે મૂકી તમે ચાખી જોજો
આંસુનાં મોજાં ના હોય એ તો ટીપામાં હોય
એનાં આવે ન કોઈ દી’ પૂર…
દરિયો ખારો છે કબૂલ…!!
Happy Valentine’s Day!! — એક પ્રશ્નપત્ર —
પ્રેમના આ સોહામણાં પર્વ પર આપ સૌને ખુબ ખુબ શુભેચ્છાઓ….
આમ તો મારું personally એવું માનવું છે કે પ્રેમ કે પ્રેમની અભિવ્યક્તિ કોઈ એક દિવસ માટે મર્યાદિત નથી હોતી પણ જ્યારે કોઈ સોનેરી ક્ષણની રાહમાં દરેક ક્ષણ કોઈ અભિસારિકાની માફક સુંદર બની જતી હોય ત્યારે એ પ્રતિક્ષાની પળો કેટ્લી રંગીન હોય છે !!
લગભગ એક અઠવાડિયાથી આ દિવસનું આયોજન ચાલતુ હોય છે એવું સાંભળવામાં આવ્યું છે…કોઈ ચોક્કસ દિવસે ચોકલેટ અને ચોક્કસ દિવસે ફૂલ…. દિલની વાત તો એક પાંદડું પણ કહી આપે છે બસ એ વાત એ જ દિલ સમજી શકે જે આપના માટે બન્યું હોય એમાં કોઈ code wordની જરૂર પડ્તી નથી…
ક્યાંક સાંભળ્યું છે કે જ્યારે કોઈ પ્રેમ નિષ્ફળ બને છે ત્યારે એ જે તે વ્યક્તિના accountનો password બની સચવાય છે !!
તો આપ સૌ આપના દિલનુ account ખોલો અને પરિક્ષા આપો…!!
હા, આજે આપે એક પરિક્ષા આપવાની છે… અને….પ્રશ્નપત્ર આ પ્રમાણે છે….
1. હાથ પરોવો હાથોમાં ને આંગળીઓની વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો.
2. અને આમ તો તમે ય મારી વાટ જુઓ છો, કેમ, ખરું ને…
‘હા’ કે ‘ના’માં જવાબ આપો.
3. (આવ, હવે તો ભાદરવો વરસાદ થઈને આવ, મને પલળાવ !)
કૌંસમાં લખ્યા પ્રમાણે કરો.
4. નાની પ્યાલી ગટગટ પીને ટાઢા પેટે હાથ ફેરવી હું તો જાણે બેઠો’તો, ત્યાં તમને જોયાં. તમને જોઈ તરસ્યો તરસ્યો તરસ્યો થ્યો છું : રસ-આસ્વાદ કરાવો.
5. શ્વાસોચ્છવાસો કોના માટે? કારણ પૂરાં પાડો.
6. છેકાછેકી બને તેટલી ઓછી કરવી.
(સાફસૂથરો કોરોકટ બસ તને મળ્યો છું)
7. ‘તમને હું ચાહું છું, ચાહીશ.’ કોણે, કયારે, કોને, આવી પંક્તિ(નથી)કહી?
8. હવે ખુલાસો. આ લો મારું નામ લખ્યું કાગળ પર, તેને ચૂમો. નહીંતર કેન્સલ વ્હોટ ઈઝ નોટ એપ્લીકેબલ.
પારકો ચહેરો – સૈફ પાલનપુરી
મારી સામે એણે પણ
એકીટશે જોયા કર્યું
લોક કરડી આંખથી જોતા રહ્યા
કેવો પાગલ હું હતો
વર્ષો પહેલાંનો પરિચિત માર્ગ એ
વર્ષો પહેલાંનું પરિચિત એ મકાન
મારી પાગલતા એ બહુ જૂની હતી.
ને બધા લોકો હસે એની પ્રથમ
મેં જ હસવાનું શરૂ કરી દીધું તરત –
સૌ પ્રથમ મારો જ એ પર હક હતો
એ પછી કૌતુક થયું-
મારી સામે જે મધુર ચહેરો હતો
પારકો ચહેરો હતો.
શક્યતા નો’તી – છતાં – એ આંખમાં
રોષ બદલે આંસુઓ નજરે પડ્યા.
હું હસ્યો ને એ રડ્યાં –
લાગણી બન્નેની સરખી થઈ ગઈ
થઈ ગઈ બસ ઊર્મિઓની ઓળખાણ
મારી જેમ એ પણ હતાં કોઈ પરિચિત માર્ગ પર
મારી જેમ એ પણ હતાં કોઈ પુરાણી યાદમાં.
હવે, લાવ મારો ભાગ !!!

લાવ, મારો ભાગ !!
નાનપણમાં બોરાં વીણવા જતા.
કાતરા પણ વીણતા.
કો’કની વાડીમાં ઘૂસી ચીભડાં ચોરતા.
ટેટા પાડતા.
પછી બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી
ઢગલી કરતા ને ભાગ પાડતા –
– આ ભાગ ટીકુનો.
– આ ભાગ દીપુનો.
– આ ભાગ ભનિયાનો, કનિયાનો..
છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા –
‘આ ભાગ ભગવાનનો!’
સૌ પોતપોતાની ઢગલી
ખિસ્સામાં ભરતા,
ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી
રમવા દોડી જતા.
ભગવાન રાતે આવે, છાનામાના
ને પોતાનો ભાગ ખાઈ જાય – એમ અમે કહેતા.
પછી મોટા થયા.
બે હાથે ઘણુંય ભેગું કર્યું;
ભાગ પાડ્યા – ઘરના, ઘરવખરીના,
ગાય, ભેંસ, બકરીના.
અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો?
રબીશ! ભગવાનનો ભાગ?
ભગવાન તે વળી કઈ ચીજ છે?
સુખ, ઉમંગ, સપનાં, સગાઈ, પ્રેમ –
હાથમાં ઘણું ઘણું આવ્યું..
અચાનક ગઈ કાલે ભગવાન આવ્યા;
કહે, લાવ, મારો ભાગ..
મેં પાનખરની ડાળી જેવા
મારા બે હાથ જોયા, ઉજ્જડ.
એકાદ સૂકું તરણુંયે નહીં.
શેના ભાગ પાડું ભગવાન સાથે?
આંખમાં ઝળઝળિયાં આવ્યાં,
તે અડધાં ઝળઝળિયાં આપ્યાં ભગવાનને.
વાહ! – કહી ભગવાન મને અડ્યા,
ખભે હાથ મૂક્યો,
મારી ઉજ્જડતાને પંપાળી,
મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી.
તેણે પૂછ્યું: ‘ કેટલા વરસનો થયો તું?’
‘પચાસનો’ હું બોલ્યો.
‘અચ્છા..’ ભગવાન બોલ્યા: ‘૧૦૦માંથી
અડધાં તો તેં ખરચી નાખ્યાં..
હવે લાવ મારો ભાગ!’
ને મેં બાકીના પચાસ વરસ
ટપ્પ દઈને મૂકી દીધાં ભગવાનના હાથમાં!
ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય.
હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં.
જોઉં છું રાહ –
કે ક્યારે રાત પડે
ને ક્યારે આવે છાનામાના ભગવાન
ને ક્યારે આરોગે ભાગ બનેલા મને
ને ક્યારે હું ભગવાનનાં મોંમાં ઓગળતો ઓગળતો..