ઝાડ તને મારા સોગંદ – હિતેન આનંદપરા


 

tree_illusion

ઝાડ તને મારા સોગંદ
સાચું કહેજે એક પંખીની જેમ કદી ઊડવાનું થાય તને મન ?

વરસોથી એક જ જગાએ ઊભા રહીને કંટાળો આવતો નથી ?
તારો એક્કેય ભાઈબંધ એની પાસે તને પ્રેમથી બોલાવતો નથી ?
સાવ-માણસ-જેવો આ સંબંધ !

આકરા ઉનાળે ખૂબ શોષ પડે ત્યારે સૂરજ પર ગુસ્સો આવે ?
વહેતી હવાને ખભે માથું મૂકીને હૈયું ઠાલવવાનું ફાવે ?
તારાં આંસુનું કેટલું વજન ?

ઝાડ, તને છંયે બેઠેલો એક માણસ ગમે કે છાંયે બેઠેલી એક ગાય ?
સાંજ પડ્યે પંખી જો પાછું ન આવે તો પાંદડાંમાં ડૂમો ભરાય ?
છોડ્યું ના છૂટે વળગણ

સાચું કહેજે એક પંખીની જેમ કદી ઊડવાનું થાય તને મન ?
ઝાડ તને મારા સોગંદ !

Advertisements

હૈયામાં એક મોર પાળ્યો છે મેં…


Friends

હૈયામાં એક મોર પાળ્યો છે મેં
એના ટહુકા સંભળાય તને સહિયર ?
કોઈ ચહેરા પર નામ લખી ચાલ્યું ગયું
એને કેમ રે ભૂંસાય.. કહે સહિયર !

મારી વાતોનો લ્હેકો બદલાયો છે સૈ !
જોને શબ્દો નીકળે છે શરમાતા,
બધાં ઝાડ મને ચીડવે છે કેમ રે અલી
આમ લીલી થઈ ગઈ લાલ થાતાં ?
વર્તનમાં, નર્તનમાં, ચાલમાં કે આંખમાં
કંઈ જુદું વર્તાય તને સહિયર ?

પારેવાં વિસ્મયથી ચણતાં પૂછે
ચણમાં આટલી મીઠાશ ક્યાંથી આવી ?
કાલ લગી સુક્કી આ ચામડી પર ઓચિંતી
લથબથ ભીનાશ ક્યાંથી આવી ?
કહીએ તો ઘેલાં ના કહીએ તો મીંઢાં
ક્યાં લગ જિવાય કહે સહિયાર ?

હૈયામાં એક મોર પાળ્યો છે મેં
એના ટહુકા સંભળાય તને સહિયર ?