એક છોકરી ન હોય ત્યારે……


broken-mirror008


એક છોકરી ન હોય ત્યારે કેટલાં અરીસાઓ
સામટા ગરીબ બની જાય છે

બીજું શું થાય કંઈ પથ્થર થઈ જાય
કંઈ ચોખંડી ચીજ બની જાય છે

શેરીના છેવાડે ઊભેલા છોકરાને
શું શું નહિ થાતું હોય બોલો
હાથમાંને હાથમાં જ મોગરાનું
ચીમળાતું ફૂલ બની જાય ફરફોલો

અંધારું સાંજ પહેલા આંખોમાં ઘેરી વળે
એવો બનાવ બની જાય છે

સૌ સૌનો સૂરજ સૌ સાચવે પણ
છોકરીના હિસ્સાના સૂરજનું શું
આમ તો સવાલ આખા ગામનો છે
પણ કેવળ છોકરાને આવે આંસુ

ગામ વચ્ચે ઓગળતો ઓગળતો છોકરો
કંઈ પણ નથી જ બની જાય છે

Advertisements

એક છોકરાએ……..


Chocolate

એક છોકરાએ સીટીનો હિંચકો બનાવીને,
છોક્કરીને કીધું, લે ઝૂલ….

પછી છોક્કરાએ સપનાનું ખીસ્સુ ફંફોસીને
સોનેરી ચોકલેટ કાઢી રે,
ને છોક્કરીની આંખમાંથી સસલીના ટોળાએ
ફેંકી ચીઠ્ઠીઓ અષાઢી રે,
સીધ્ધી લીટીનો સાવ છોક્કરો,
તે પલળ્યો ને બની ગયો બે-ત્રણ વર્તુળ….

છોક્કરીને શું એ તો ઝૂલી,
તે એને ઘેર જતા થયું સહેજ મોડું રે,
જે કંઈ થવાનું હતું એ છોક્કરાને થયું,
એના સાનભાન ચરી ગયું ઘોડું રે,
બાપાની પેઢીએ બેસીને રોજ-રોજ ચોપડામાં ચીતરતો ફૂલ….

હવે, લાવ મારો ભાગ !!!લાવ, મારો ભાગ !!

 

નાનપણમાં બોરાં વીણવા જતા.
કાતરા પણ વીણતા.
કો’કની વાડીમાં ઘૂસી ચીભડાં ચોરતા.
ટેટા પાડતા.
પછી બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી
ઢગલી કરતા ને ભાગ પાડતા –
– આ ભાગ ટીકુનો.
– આ ભાગ દીપુનો.
– આ ભાગ ભનિયાનો, કનિયાનો..
છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા –
‘આ ભાગ ભગવાનનો!’

સૌ પોતપોતાની ઢગલી
ખિસ્સામાં ભરતા,
ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી
રમવા દોડી જતા.

ભગવાન રાતે આવે, છાનામાના
ને પોતાનો ભાગ ખાઈ જાય – એમ અમે કહેતા.

પછી મોટા થયા.
બે હાથે ઘણુંય ભેગું કર્યું;
ભાગ પાડ્યા – ઘરના, ઘરવખરીના,
ગાય, ભેંસ, બકરીના.
અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો?

રબીશ! ભગવાનનો ભાગ?
ભગવાન તે વળી કઈ ચીજ છે?

સુખ, ઉમંગ, સપનાં, સગાઈ, પ્રેમ –
હાથમાં ઘણું ઘણું આવ્યું..

અચાનક ગઈ કાલે ભગવાન આવ્યા;
કહે, લાવ, મારો ભાગ..

મેં પાનખરની ડાળી જેવા
મારા બે હાથ જોયા, ઉજ્જડ.
એકાદ સૂકું તરણુંયે નહીં.
શેના ભાગ પાડું ભગવાન સાથે?
આંખમાં ઝળઝળિયાં આવ્યાં,
તે અડધાં ઝળઝળિયાં આપ્યાં ભગવાનને.

વાહ! – કહી ભગવાન મને અડ્યા,
ખભે હાથ મૂક્યો,
મારી ઉજ્જડતાને પંપાળી,
મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી.

તેણે પૂછ્યું: ‘ કેટલા વરસનો થયો તું?’
‘પચાસનો’ હું બોલ્યો.

‘અચ્છા..’ ભગવાન બોલ્યા: ‘૧૦૦માંથી
અડધાં તો તેં ખરચી નાખ્યાં..
હવે લાવ મારો ભાગ!’
ને મેં બાકીના પચાસ વરસ
ટપ્પ દઈને મૂકી દીધાં ભગવાનના હાથમાં!

ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય.

હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં.
જોઉં છું રાહ –
કે ક્યારે રાત પડે
ને ક્યારે આવે છાનામાના ભગવાન
ને ક્યારે આરોગે ભાગ બનેલા મને
ને ક્યારે હું ભગવાનનાં મોંમાં ઓગળતો ઓગળતો..

ઓણુકા વરસાદમાં – રમેશ પારેખ


ઓણુકા વરસાદમા બે ચીજ કોરી કટ
એક અમે પોતે ને બીજો તારો વટ!

નેવા નીચે ઓસરી, આંખો નીચે ગાલ,
નખથી નક્ષત્રો સુધી જળ આંબ્યું આ સાલ.

વાવાઝોડું હોય તો કરીએ બંધ કમાડ
આ તો ઘરમાં પાડતું જળનું ટીપું ધાડ.

નખ ઉગ્યા અંધારને, ભીંતે ઉગી દાઢ
ઉપર મારે આંચકા અણિયાળો આષાઢ.

તારા વટને કચ્છની સૂડી સરખી ધાર,
અમે કમળની દાંડલી-કરીએ શું તકરાર?

મીરાં કહે કે સાંવરા, વાગે વીજળી બહુ,
બીજું શું શું થાય તે આવ, કાનમાં કહું.

તને યાદ છે ?


કાવ્યપઠન : કવિ શ્રી રમેશ પારેખ

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
ને ઘેરાતી રાત મને યાદ છે ઘેરાતી રાત તને યાદ છે?
સોનેરી પોયણીઓ ઊઘડતી હોઠમાં ને
થાતું પ્રભાત મને યાદ છે થાતું પ્રભાત, તને યાદ છે?

ખરબચડું લોહી થતું રૂંવાટીદાર, એવું ચોમાસું ચાર ચાર નેણનું
ધોધમાર પીંછાનો પડતો વરસાદ, ગામ આખું તણાઈ જતું વેણનું
છાતીની ઘુમ્મરીમાં ઘુમી ઘુમીને ક્યાંક ખોવાતી જાત મને યાદ છે :
ખોવાતી જાત તને યાદ છે?

સૂરજ વિનાના અને છાંયડા વિનાના, ધોમ તડકા સૂસવાટે હવે રાતના
લોચનની ભાષામાં ઘટના કહેવાય અને જીવતરની ભાષામાં યાતના.
આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા દિવસોની વાત મને યાદ છે :
એવા દિવસોની વાત તને યાદ છે ?