તને કહી દઉં છું હું સાચે સાચું…….


tumblr_lwddvoLXzg1qjfzbvo1_500
તને કહી દઉં છું હું સાચે સાચું
મારી આંખોએ બેઠું ચોમાસું..!

ઘેરાતા હોય આકાશે વાદળા
મારી અંદર તું એમ જ ઘેરાતો,
વરસે તું ધોધમાર ને કદી સાવ ધીરો
છાતીમાં ડૂમો થઇ જતો.
આગાહી વિના સાવ ઓચિંતો કોઈ વરસાદ જેમ આવે તો માનું..!!

આમ સામટી પ્રતીક્ષા મને ફાવતી નથી
હું શબરી નથી કે નથી મીરાં,
હું તો ઉતાવળી થાઉં તને મળવા
થોડા તારે ય થવાનું અધીરા..!
મળવાનું રોજ રોજ થાયે મને મન તને શોધતા ક્યાં આવડે છે બહાનું..?

તને કહી દઉં છું હું સાચે સાચું
મારી આંખોએ બેઠું ચોમાસું..!

Advertisements

દરિયો ખારો છે કબૂલ…!!


fisheye

કબૂલ…!!!
દરિયો ખારો છે કબૂલ
પણ એમાં માછલીની ભૂલ
આંસુઓ આવી જાય છેક એવી રીતે…
ભીતરને કહેવાય કૈં લે, ખૂલ…!!?

માછલીઓ કે, એમાં મારો ક્યાં વાંક કાઢો
ભીતરને મારવા ક્યાં બેસીએ તાળું
આંસુ તો સાચવીને અમે ય રાખ્યાં’તાં
એ તો વેદનાએ ફૂંકર્યું દેવાળું
પણ એમ કરી ભીતર ખાલી જો થાતું, તો આંસુનું આવવું વસૂલ…
દરિયો ખારો છે, કબૂલ…!

કોઈ માણસનાં હોય કે માછલીનાં હોય
દોસ્ત, આંસુ તો આંસુ કહેવાય
રડવું આવે ત્યારે રડી લેવાનું
એને પાણીની જેમ ના પિવાય…!
હૃદયના રસ્તેથી એ આંખોમાં આવે, એનું ઠેકાણું નથી કૈં દૂર…
દરિયો ખારો છે કબૂલ…

દરિયાનું પાણી ને આંખોનું પાણી
બેઉની ખારાશ તમે માપી જોજો
મારું માનો તો એકને હોઠે
ને એકને હૈયે મૂકી તમે ચાખી જોજો
આંસુનાં મોજાં ના હોય એ તો ટીપામાં હોય
એનાં આવે ન કોઈ દી’ પૂર…
દરિયો ખારો છે કબૂલ…!!

હું હમણાં આઉં છું, એવું કહીને ‘કોઈ’ જાય…….


wait

હું હમણાં આઉં છું,
એવું કહીને ‘કોઈ’ જાય
પછી પાછું આવે જ નહીં,
આપણે રાહ જોતાં હોઈએ તો પણ…!
દિવસો વર્ષો થઈ જાય તો પણ…!
ત્યારે એવું થાય કે,
સૂકાઈ ગયેલાં આંસુઓ
આંખ સાથેનો છેડો ફાડી નાંખે.
પછી,
મોબાઈલ પર ફ્લેશ થતાં પ્રત્યેક નામમાં –
મેસેજનાં બીપમાં –
મંદિરનાં ઘંટમાં –
ડોરબેલનાં અવાજમાંથી
મરી પરવારેલી
એમનાં પાછા ફરવાની આતુરતાને
અગ્નિદાહ દેવાની ય જરૂર નહીં પડે…!
અને તો ય –
એ હવે પાછાં નહીં જ ફરે એવું મન મનાવી લીધાં પછી પણ,
અચાનક
એકાદી સાંજે
કારણ વગર બંધ દરવાજાં સુધી પહોંચી ગયેલી નજરને
પાછી વાળતાં
આંખ ભારી કેમ થઈ જાય છે?
મન,
એમને ફરીવાર કઈ રીતે મળી શકાયનાં પેંતરાઓ રચવામાં જ
આખો દિવસ કેમ વ્યસ્ત રહે છે,
એ સમજાતું નથી…!!