મને યાદ છે.. તને યાદ છે?


Summer-Rain-1

મેઘલી શ્યામલ એક રાતે, આપણી પ્રથમ મુલાકાતે,
એક રસ્તાની બંને તરફ ભીંજતા એકબીજાને આપણે જડ્યા,
મને યાદ છે.. તને યાદ છે?

પછી પગલાંએ પંથ જરા ટૂંકો કર્યો,
પછી મોસમને ચાહવાનો ગુનો કર્યો.
પછી હૈયાની હોવાનાં અણસારે તું,
પછી શ્વાસોનાં અજવાળે ઓગળતો હું,
અવસરને અજવાળી જાતે, એકબીજાની લાગણીઓ ખાતે,
ભાન ભૂલીને ઓગળતા એકમેકમાં, એકબીજામાં ભૂલા પડ્યા.
મને યાદ છે.. તને યાદ છે?

પછી સપનાની કુંપળને સમજણ ફૂટી,
પછી જીવવાની જંખનાઓ સાથે લૂટી,
પછી સુખ દુખનાં સરવાળા સાથે જીત્યા,
પછી તારીખનાં પાનામાં વર્ષો વિત્યા,
જીવનની જૂદી શરૂઆતે, મસ્તીનાં મતવાલા નાતે,
સાવ અંગત બની ઝૂમતા-ચૂમતાં, સાવ અંગત બની ઝળહળ્યા.
મને યાદ છે.. તને યાદ છે?

હવે વાતાવરણ છોને વરસાદી છે,
હવે આંખો પણ એવી ક્યાં ઉન્માદી છે?
હવે ડૂમાનો તરજુમો, ડુસ્કાનું ઘર,
હવે તારા વગર મારું સૂનું નગર,
નાહક નજીવી કોઈ વાતે, અજાણ્યા કોઈ આઘાતે,
અધવચાળે મૂકી સાથ-સંગાથને એકબીજાથી છૂટા પડ્યા.
મને યાદ છે.. તને યાદ છે?

Advertisements

તારા નામનું મંદિર ગણ કે તારા નામની દેરી…


525353_635247749834625_2071892721_n

ગાયક :- કવિતા કૃષ્ણમૂર્તિ

ગાયક :- પાર્થિવ ગોહિલ

તારા નામનું મંદિર ગણ કે તારા નામની દેરી,
રોજ કરું છું તારી પૂજા, બે પાંપણને ઘેરી..

પથ્થરને મૂર્તિ માન્યાની ભૂલ કરું શું કામ?
જીવતા જીવત ઈશ્વર જેવો મનગમતો મુકામ
શ્વાસની આવન-જાવન વચ્ચે તને જ રાખું પહેરી..
રોજ કરું છું તારી પૂજા, બે પાંપણને ઘેરી..

ખિલવું, ખૂલવું ને ઝૂરવાનું ધજા સમું ફરફરવું
અત્તર પહેરી સુગંધને પણ ગમશે હરવું, ફરવું
તું પ્રગટેને ઝળહળ આખી રોમરોમની શેરી..
રોજ કરું છું તારી પૂજા, બે પાંપણને ઘેરી..

શ્વાસોમાં તું, આંખોમાં તુ…..


scale

શ્વાસોમાં તું, આંખોમાં તુ,
સપનાના અવસરમાં તું જ એક તું.
હૈયામાં તું, હોવામાં તું,
આખાયે જીવતરમાં તુ જ એક તું.

ફૂલો પર સોનેરી ઝાકળ લખે,
નીચું ઝૂકીને આભ વાદળ લખે,
તને કુદરત પણ સામેથી કાગળ લખે,
દર્પણમાં તું, સગપણમાં તું,
ફળીયામાં, ઉંબરમાં, તુજ એક તું.

મારામાં ઉછરેલી પ્રેમની પૂનમ તું,
ઇશારા સાચવીને રાખે મોઘમ તું,
આસપાસ ઉગેલી ગમતી મોસમ તું,
શબ્દોમાં તું, અર્થોમાં તું,
લાગણીનાં અક્ષરમાં તું જ એક તું.

આપણો સંબંધ જાણે વરસ્યા વિનાનાં રહ્યાં વાદળાં……


storm-clouds-wallpaper-thunderstorms-nature_00431186

આકાશે ધોધમાર બંધાતા રોજ તોય ઇચ્છા વિનાનાં સાવ પાંગળાં
આપણો સંબંધ જાણે વરસ્યા વિનાનાં રહ્યાં વાદળાં…

કોડિયામાં પ્રગટેલા અજવાળાં જેમ
એકબીજામાં ઝળહળતાં આપણે
અજવાળું ઓલવીને કેમ કરી મોકલેલું
શરતોનું સરનામું પાંપણે –

સમણાંના તુટવામાં એવું લાગે કે જાણે હાથમાંથી છૂટાં પડ્યાં આંગળા…
આપણો સંબંધ જાણે…

અંતરથી અંતર જો માપો તો આમ અમે
પાસે ને આમ દૂર દૂર…
કિનારે પહોંચેલાં મોજાંની જેમ અમે
દરિયાથી છૂટવા આતૂર…

ચહેરાના ભાવ બધા વાંચી શકાય તોય આંખોને લાગીએ કે આંધળા…
આપણો સંબંધ જાણે…

ના છૂટકે લેવાતા શ્વાસોમાં વરસતી
સંગાથે જીવ્યાંની ભૂલ
આપણા જ ક્યારામાં આપણે જ વાવેલું
સુગંધ વિનાનું એક ફૂલ.

સાથે રહ્યાંની વાત ભૂલી જઇને આજ છુટ્ટા પડવાને ઉતાવળાં…
આપણો સંબંધ જાણે…

મારી હથેળીના દરિયામાં…..


gulmohar

મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ
શ્વાસોમાં ભરવાનો ગુલમ્હોરી રંગ હવે વેદનામાં ભળતો આરામ
હથેળી ના દરિયાને દર્પણ માનીને;તારા ચહેરાને શોધવા હું નીકળ્યો,

આંગળીથી ચીતરેલા અક્ષરને લાગ્યું કે;રોમરોમ તારામાં પીગળ્યો
દરિયો હથેળીનો ઘૂઘવે એવો કે જાણે લહેરોનો રેતમાં મુકામ
મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ
મનગમતાં નામને ઉમર ના હોય;એ તો ગમે ત્યારે હાથ પર લખાય,

મોસમને જોઇને ફૂલના ખીલે;એના ખીલવાની મોસમ બદલાય
અંદરથી બદલાતી મોસમનાં સમ તારા હાથમાં છે મારી લગામ
મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ.