એમાં મારો શું વાંક? – સુરેશ દલાલ


મેં તો આપ્યું’તું તને મોતી ને તને શંખલા ને છીપલાં વ્હાલા લાગે,
એમાં મારો શું વાંક?
મેં તો માણસની પ્રગટાવી જ્યોતિ ને તને ઢીંગલી ને ઢીંગલા વ્હાલા લાગે,
એમાં મારો શું વાંક?

મેં તો આંબો આપ્યો ને તને બાવળ ગમે,
મેં તો શાંતિ આપી, તને ઉતાવળ ગમે,
મેં તો આકાશ આપ્યું ને તને વાદળ ગમે,
મેં તો સત્ય આપ્યું ને તને સપનાંઓ વાંઝિયા ને ઠાલાં ગમે
એમાં મારો શું વાંક?

મેં તો રસ્તો આપ્યો તને ચરણો આપ્યાં પણ ચરણોને બેડી તેં બાંધી દીધી,
મેં તો હોંશે હોંશે એક ઉછેર્યો’તો બાગ પણ બાગમાં તેં રણ ને આંધી કીધી મેં તો એક એક દરવાજા ખોલ્યા
પણ દરવાજે દરવાજે તને તાળાં ગમે
એમાં મારો શું વાંક?

– સુરેશ દલાલ

Advertisements

મોરપિચ્છની રજાઈ ઓઢી…


2350_original

મોરપિચ્છની રજાઈ ઓઢી
તમે સૂઓને શ્યામ
અમને થાય પછી આરામ….

મુરલીના સૂરનાં ઓશીકાં
રાખો અડખે-પડખે
તમે નીંદમાં કેવા લાગો
જોવા ને જીવ વલખે
રાત પછી તો રાતરાણી થઇ
મ્હેકી ઊઠે આમ….

અમે તમારા સપનામાં તો
નક્કી જ આવી ચડાશું
આંખ ખોલીને જોશો ત્યારે
અમે જ નજરે પડશું
નિદ્રા-તંદ્રા-જાગૃતિમાં
ઝળહળભર્યો દમામ….

આટલું તે વ્હાલ નહીં વેરીએ…


radha

 

 

આટલું તે વ્હાલ નહીં વેરીએ, ઓ રાધિકા,
શ્યામ ને તે આમ નહીં ઘેરીએ;
બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ
આઘે રહીને એને હેરીએ !!

યમુનાના જળમાં ઝીણા ઝાંઝર સૂણીને ભલે
મોરલીના સૂર મૂંગા થાય;
એને પણ સાન જરી આવે કે રાધાથી
અળગા તે કેમ રહેવાય ??

પાસે આવે તો જરા મચકોડી મુખ ક્યાંક
સરી જવું સપનાની શેરીએ !!
બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ
આઘે રહીને એને હેરીએ !!

ભીતરથી હોય ભલે એનો રે જાપ તોયે
કહેવું કે પીડ નથી કાંઈ;
વિરહની વેદના તે કહેવાની હોય ??
ભલે, કાળજું આ જાય કંતાઈ !!

આંસુથી આંક્યું હોય એનું તે નામ ભલે
વ્હેતી હવાની સૂની લ્હેરીએ !!
બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ
આઘે રહીને એને હેરીએ !!

તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી…


18398_275421582589493_1214584755_n

તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી,
ને મને સૂતીને સપને જગાડ્યા કરી.

બાંવરી આ આખ મારી આમતેમ ઘૂમે,
ને ઝાંઝરથી લજ્જા વેરાય,
એકલીના મહેલમાં ઓશીકે જોઈ લ્યોને
મધુવનમાં વાયુ લહેરાય.
હું તો બાહુના બંધમાં બંધાયા કરી,
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી..

નીલરંગી છાંય થઈ તારો આ સૂર મારી
યમુનાના વહેણ માંહી દોડે,
જાગીને જોઉં તો જાણું નહીં કે
કેમ મોરપીંછ મહેકે અંબોડે.
મને અનહદના રંગમાં ડૂબાડ્યા કરી,
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી..

પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે…


meerabai

પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે
નાચી રે મીરા નાચી રે
પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે

મેં તો મારા જન્માક્ષરમાં
હરિવરજીને એક પલકમાં
એક ઝલકમાં લીધા હૃદયથી વાંચી રે
પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે

મારા બારે બાર ખાનામાં
મોરપીંછ ને મંજીરા છે
મુરલીયાના સપ્ત છિદ્રમાં
મીરા મીરા મીરા છે
રોમ રોમનાં રંગ મહેલમાં
મીરા કુંવારી કાચી રે
પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે

મારા જન્મારા પુરતો
એક જ તુલસી ક્યારો રે
પળપળમાં આ પાંદડે પાંદડે
શ્યામ સદાયે મારો છે
જનમ જનમની દાસી મીરા
રાજી રાજી રાજી રે
પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે

મેં તો મારા જન્માક્ષરમાં
હરિવરજીને એક પલકમાં એક ઝલકમાં
લીધા હૃદયથી વાંચી રે
પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે