…..છેવટે એ વાત અફવા નીકળે !!!


touching_water_reflection_hand_photography_2560x1440_hd-wallpaper-1577285

હાથને ચીરો તો ગંગા નીકળે
છેવટે એ વાત અફવા નીકળે.

બોમ્બની માફક પડે કાયમ સવાર
એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે.

કોઇ સપનું છીછરું વાગ્યું હતું
ને જનોઇવઢ સબાકા નીકળે.

સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ,
ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે.

એ શું ક્બ્રસ્તાનનું ષડયંત્ર છે?
મુઠ્ઠીઓ ખૂલે તે મડદાં નીકળે.

દાબડીમાં એક માણસ બંધ હોય
ઢાંકણું ખોલો તો લાવા નીકળે.

વક્ષની ખંડેર ભૂમિ ખોદતાં
કોઇ અશ્મીભૂત શ્રધ્ધા નીકળે.

માર્ગમાં આવે છે મૃત્યુની પરબ
જ્યાં થઇ હરએક રસ્તા નીકળે.

ર નીરંતર મેશ-માં સબડે અને
સુર્ય પણ નીકળે તો કાળા નીકળે.

– રમેશ પારેખ

Advertisements

અરે, મારા આ હાથ છે જડભરત – રમેશ પારેખ


11004183_799287046808041_1322910341_n

અરે, મારા આ હાથ છે જડભરત ને ઉપર આંગળીઓ અભણ, એકબે
હું જીવતા મનુષ્યો ગણું તો આ આખ્ખા નગરમાં મળે માંડ જણ એકબે

ઉઝરડા અને લોહીલુહાણ આખ્ખાય જીવતરનાં કારણ છે શું ?
મેં ફૂટપાથ પર એક જોશીને પૂછ્યું તો એણે કહ્યું કે : ‘સ્મરણ એકબે’

પરબ કઈ તરફ છે, પરબ કઈ તરફ છે ? તરસથી હવે લોહી ફાટી પડે
નજરમાંથી રણ સ્હેજે ખસતું નથી ને આ હાથોમાં છે ફક્ત ક્ષણ એકબે

ભટકતાં ભટકતાં, બટકતાં બટકતાં, પહોંચ્યોં હું મારા અનાગત સુધી
અપેક્ષાઓ રાખી હતી ધોધની ત્યાં મળ્યાં માંડ સુક્કા ઝરણ એકબે

‘છે અહીં લીલું જંગલ ને ઝરણાં ને પંખી ને કલરવમાં પલળી ગયેલો રમેશ :’
ભીંતે આમ પંક્તિ લખીને હજુયે હું જોઉં (છબીમાં) હરણ એકબે

મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ
મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે

હૈયામાં એક મોર પાળ્યો છે મેં…


Friends

હૈયામાં એક મોર પાળ્યો છે મેં
એના ટહુકા સંભળાય તને સહિયર ?
કોઈ ચહેરા પર નામ લખી ચાલ્યું ગયું
એને કેમ રે ભૂંસાય.. કહે સહિયર !

મારી વાતોનો લ્હેકો બદલાયો છે સૈ !
જોને શબ્દો નીકળે છે શરમાતા,
બધાં ઝાડ મને ચીડવે છે કેમ રે અલી
આમ લીલી થઈ ગઈ લાલ થાતાં ?
વર્તનમાં, નર્તનમાં, ચાલમાં કે આંખમાં
કંઈ જુદું વર્તાય તને સહિયર ?

પારેવાં વિસ્મયથી ચણતાં પૂછે
ચણમાં આટલી મીઠાશ ક્યાંથી આવી ?
કાલ લગી સુક્કી આ ચામડી પર ઓચિંતી
લથબથ ભીનાશ ક્યાંથી આવી ?
કહીએ તો ઘેલાં ના કહીએ તો મીંઢાં
ક્યાં લગ જિવાય કહે સહિયાર ?

હૈયામાં એક મોર પાળ્યો છે મેં
એના ટહુકા સંભળાય તને સહિયર ?

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે…


રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ
એની તાળી પડે છે ત્રિલોકમાં રે લોલ

હે ગરબો જોવાને ગજાનન આવિયા રે લોલ
સાથે રિધ્ધિ સિધ્ધિને તેડી લાવિયા રે લોલ

હે ગરબો જોવાને ઇન્દ્ર આવિયા રે લોલ
સાથે રાણી ઇન્દ્રાણીને લાવિયા રે લોલ

હે ગરબો જોવાને ચંદ્રમા આવિયા રે લોલ
સાથે રાણી રોહિણીને લાવિયા રે લોલ

હે ગરબો જોવાને બ્રહ્માજી આવિયા રે લોલ
સાથે રાણી બ્રહ્માણીને લાવિયા રે લોલ

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ
એની તાળી પડે છે ત્રિલોકમાં રે લોલ

આપણે જ રાજા ને રાણી……


આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી
ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઇ જતી પરીની કહાણી

પરીઓના દેશનું નામ સ્વપ્ન નગરી, એ નગરીના રહેવાસી આપણે
ઇચ્છા ના નામ ધરી પસ્તાયા એવા કે સૂકવવા જઇ બેઠા તાપણે
સમજણ ના સીમાડા ઓળંગ્યા બાદ ગાંડાતૂર થઇ કીધી ઉજાણી
આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી ….

હોળી હલ્લેસા ને પાણીનું રણ અને ડમરી સમ
એના લ્હેરે લથબથતા ભીંજાતા નખશીખ હવે શમણેરી વેશ જુઓ પ્હેરે હાંફતા હરણ
સમા કિનારે પહોચ્યા ત્યાં આવ્યું તું અંકમાં સમાણી
આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી ….

આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી
ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઇ જતી પરીની કહાણી