સોનલ ગરબો શીરે …


00035 

સોનલ ગરબો શીરે અંબે મા,
ચાલો ધીરે ધીરે મા.

હે ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે,
ચાલો ધીરે ધીરે મા.

સખીઓ સંગાથે કેવા ઘૂમે છે,
ફરરર ફૂંદડી ફરે અંબે મા,
ચાલો ધીરે ધીરે મા.

હે ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે,
ચાલો ધીરે ધીરે મા.

સોનલ ગરબો શીરે અંબે મા,
ચાલો ધીરે ધીરે મા.

Advertisements

કેસરીયો રંગ તને લાગ્યો…


raas-garba-18645.jpg

કેસરીયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા,
કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ..

ઝીણી ઝીણી જાળીયું મેલાવો ઓલ્યા ગરબા,
ઝીણી ઝીણી જાળીયું મેલાવો રે લોલ..

કોના કોના માથે ઘૂમ્યો ઓલ્યા ગરબા,
કોના કોના માથે ઘૂમ્યો રે લોલ..

અંબાજીના માથે ઘૂમ્યો ઓલ્યા ગરબા,
અંબાજીના માથે ઘૂમ્યો રે લોલ..

કિયા કિયા ગામે પધરાવ્યો ઓલ્યા ગરબા,
કિયા કિયા ગામે પધરાવ્યો રે લોલ..

અંબાજી ગામે પધરાવ્યો ઓલ્યા ગરબા,
અંબાજી ગામે પધરાવ્યો રે લોલ..

મને યાદ છે.. તને યાદ છે?


Summer-Rain-1

મેઘલી શ્યામલ એક રાતે, આપણી પ્રથમ મુલાકાતે,
એક રસ્તાની બંને તરફ ભીંજતા એકબીજાને આપણે જડ્યા,
મને યાદ છે.. તને યાદ છે?

પછી પગલાંએ પંથ જરા ટૂંકો કર્યો,
પછી મોસમને ચાહવાનો ગુનો કર્યો.
પછી હૈયાની હોવાનાં અણસારે તું,
પછી શ્વાસોનાં અજવાળે ઓગળતો હું,
અવસરને અજવાળી જાતે, એકબીજાની લાગણીઓ ખાતે,
ભાન ભૂલીને ઓગળતા એકમેકમાં, એકબીજામાં ભૂલા પડ્યા.
મને યાદ છે.. તને યાદ છે?

પછી સપનાની કુંપળને સમજણ ફૂટી,
પછી જીવવાની જંખનાઓ સાથે લૂટી,
પછી સુખ દુખનાં સરવાળા સાથે જીત્યા,
પછી તારીખનાં પાનામાં વર્ષો વિત્યા,
જીવનની જૂદી શરૂઆતે, મસ્તીનાં મતવાલા નાતે,
સાવ અંગત બની ઝૂમતા-ચૂમતાં, સાવ અંગત બની ઝળહળ્યા.
મને યાદ છે.. તને યાદ છે?

હવે વાતાવરણ છોને વરસાદી છે,
હવે આંખો પણ એવી ક્યાં ઉન્માદી છે?
હવે ડૂમાનો તરજુમો, ડુસ્કાનું ઘર,
હવે તારા વગર મારું સૂનું નગર,
નાહક નજીવી કોઈ વાતે, અજાણ્યા કોઈ આઘાતે,
અધવચાળે મૂકી સાથ-સંગાથને એકબીજાથી છૂટા પડ્યા.
મને યાદ છે.. તને યાદ છે?

શ્વાસોમાં તું, આંખોમાં તુ…..


scale

શ્વાસોમાં તું, આંખોમાં તુ,
સપનાના અવસરમાં તું જ એક તું.
હૈયામાં તું, હોવામાં તું,
આખાયે જીવતરમાં તુ જ એક તું.

ફૂલો પર સોનેરી ઝાકળ લખે,
નીચું ઝૂકીને આભ વાદળ લખે,
તને કુદરત પણ સામેથી કાગળ લખે,
દર્પણમાં તું, સગપણમાં તું,
ફળીયામાં, ઉંબરમાં, તુજ એક તું.

મારામાં ઉછરેલી પ્રેમની પૂનમ તું,
ઇશારા સાચવીને રાખે મોઘમ તું,
આસપાસ ઉગેલી ગમતી મોસમ તું,
શબ્દોમાં તું, અર્થોમાં તું,
લાગણીનાં અક્ષરમાં તું જ એક તું.

વરસાદ ભીંજવે…. – રમેશ પારેખ


rain1

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોઘમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.