આટલું તે વ્હાલ નહીં વેરીએ…


radha

 

 

આટલું તે વ્હાલ નહીં વેરીએ, ઓ રાધિકા,
શ્યામ ને તે આમ નહીં ઘેરીએ;
બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ
આઘે રહીને એને હેરીએ !!

યમુનાના જળમાં ઝીણા ઝાંઝર સૂણીને ભલે
મોરલીના સૂર મૂંગા થાય;
એને પણ સાન જરી આવે કે રાધાથી
અળગા તે કેમ રહેવાય ??

પાસે આવે તો જરા મચકોડી મુખ ક્યાંક
સરી જવું સપનાની શેરીએ !!
બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ
આઘે રહીને એને હેરીએ !!

ભીતરથી હોય ભલે એનો રે જાપ તોયે
કહેવું કે પીડ નથી કાંઈ;
વિરહની વેદના તે કહેવાની હોય ??
ભલે, કાળજું આ જાય કંતાઈ !!

આંસુથી આંક્યું હોય એનું તે નામ ભલે
વ્હેતી હવાની સૂની લ્હેરીએ !!
બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ
આઘે રહીને એને હેરીએ !!

Advertisements

સાંવરિયા રમવાને ચાલ !


રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસુડો લાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

આવતા ને જાતા આ વરણાગી વારયાએ મચાવ્યાં છે ઝાઝા તોફાન;
ભૂલીને ભાન ભંવર ભમતો ભમે છે આજ પુષ્પોના અમરતને પાન.
આંબલિયે બજવે છે કોકિલ બાંસુરિયા અંતરને ઊંડે ઉછાળ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

લૂમઝૂમતી મંજરીની હરિયાળી મ્હેક મારી મબલખ જગાવે છે ઝંખના;
નજરુંને હેરીને જોયું જરીક, કેવાં ઊડે પતંગિયા અજંપના !!
થઇને ગુલાલ આજ રંગે ઘરાની ધૂળ વાયરાના રેશમી રૂમાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

આ નભ ઝૂક્યું તે કાનજી …..


આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે.
આ સરવર જલ તે કાનજી ને પોયણી તે રાધા રે.

આ બાગ ખીલ્યો તે કાનજી ને લ્હેરી જતી તે રાધા રે,
આ પરવત-શિખર કાનજી ને કેડી ચડે તે રાધા રે.
આ નભ ઝૂક્યું …

આ ચાલ્યાં ચરણ તે કાનજી ને પગલી પડે તે રાધા રે,
આ કેશ ગૂંથ્યા તે કાનજી ને સેંથી પૂરી તે રાધા રે.
આ નભ ઝૂક્યું …

આ દીપ જલે તે કાનજી ને આરતી તે રાધા રે,
આ લોચન મારા કાનજી ને નજરું જુએ તે રાધા રે.
આ નભ ઝૂક્યું …

– પ્રિયકાન્ત મણિયાર

કેમ રે વિસારી……….


સ્વર : આરતી મુન્શી

સ્વર : પ્રુરુષોત્તમ ઉપાધ્યાય

કેમ રે વિસારી, ઓ વનના વિહારી;
તારી રાધા દુલારી.

વગડાની વાટે હું વાટડીયું જોતી,
ભુલ કીધી હોય તો હું આંસુડે ધોતી;
વેગળી મુકીને મને મુરલી ધારી,
તારી રાધા દુલારી.

નિત્ય નિરંતર મુજ અંતરમા,તુજ વાજિંતર બાજે;
કહે ને મારા નંદ દુલારા, હૈયું શેને રાજી.
તારી માળા જપતી વનમાં ભમતી હું આંસુ સારી,
તારી રાધા દુલારી.

હું એક અનામી નદી………


હું એક અનામી નદી : દરિયો ઝંખું છું.
હું એક ભટકતું કિરણ : જળને ઝંખું છું.

હું સદી સદીથી વહું : વિસામો ઝંખું છું.
હું સાવ અજાણ્યો કાળ : પળને ઝંખું છું.

હું ફૂલબ્હાવરી લહર : પરિમલ ઝંખું છું.
હું કૈંક ઝંખના લઈ : મનને ડંખું છું.

નથી ઝંખવું કંઈ : એ જ હું ઝંખું છું.
રંગ વિનાનો રંગ : અસંગને ઝંખું છું.